મુસ્લિમ IPS અધિકારીએ, નરોડા પાટિયાના મુસ્લિમોને કેમ બચાવ્યા નહીં?

 મુસ્લિમ IPS અધિકારીએ, નરોડા પાટિયાના મુસ્લિમોને કેમ બચાવ્યા નહીં?


19 વરસ થઈ ગયા. ગુજરાતમાં, 27 ફેબ્રુઆરી 2002નો દિવસ કાળો હતો; અને તે પછીના દિવસો પણ કાળા હતાં. 27 ફેબ્રુઆરીની સવારે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં 58 લોકોને જીવતા સળગાવી દીધા હતા ! બધા વિક્ટિમ હિન્દુઓ હતા અને બધા અપરાધીઓ મુસ્લિમ હતા. અમદાવાદમાં બપોર પછી રીક્ષાઓની પાછળ વાંચવા મળ્યું કે ‘આવતી કાલે ગુજરાત બંધ !’ હું એ વખતે અમદાવાદ શહેરના ઝોન-5 માં DCP હતો. મારા સુપરવિઝન હેઠળ ગોમતીપુર/રખિયાલ/બાપુનગર/ઓઢવ/ અમરાઈવાડી પોલીસ સ્ટેશન હતાં. પાંચેય પોલીસ સ્ટેશન કોમી ઘટનાઓની દ્રષ્ટિએ સંવેદનશીલ હતા; પરંતુ ગોમતીપુર/રખિયાલ/બાપુનગર પોલીસ સ્ટેશન અતિ સંવેદનશીલ હતા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરના એક વાગ્યે ઝોન-4 માં ગુલબર્ગ સોસાયટીમાં સામૂહિક હત્યાની મને ખબર પડી અને સાંજના ભાગે નરોડા પાટિયા તથા નરોડા ગામ ખાતે સામૂહિક હત્યાઓ કરવામાં આવી; તેમાં ભોગ બનનાર તમામ મુસ્લિમો હતા અને અપરાધીઓ હિન્દુઓ હતા. ગુજરાત બંધના દિવસે સવારના અગિયાર વાગ્યાથી અમદાવાદ શહેરમાં કોમી તોફાનો ચાલુ થઈ ગયા; ચારે તરફ 1000- 3000 ના ટોળાઓ ફરતા હતા અને મુસ્લિમોની મિલકતો સળગાવતા હતા. ગુલબર્ગ સોસાયટીની ખબર પડતા જ મેં તાબાના અધિકારીઓને સૂચના કરી કે ‘મિલ્કતો ભલે સળગે; તેની પાછળ ન દોડો; કોઈ પણ જગ્યાએ માસ કિલિંગ ન થાય તે માટે મુસ્લિમ આગેવાનોનો સહકાર મેળવી સંવેદનશીલ વિસ્તારમાંથી મુસ્લિમોને હટાવો !’ મુસ્લિમો પણ ફફડી ગયા હતા. અમે બપોર બાદ તથા આખી રાત પોલીસ વાહનોમાં મુસ્લિમોને તેમની ઇચ્છા મુજબ કપડવંજ/મહેમદાવાદ વગેરે જગ્યાએ ખસેડી દીધા. પરિણામે ઝોન-5 વિસ્તારમાં એક પણ માસ કિલિંગની ઘટના ન બની. સામૂહિક હત્યાઓની મુખ્ય ઘટનાઓમાં ગોધરા-59; નરોડા પાટિયા-96; ગુલબર્ગ સોસાયટી-69; મહેસાણાના સરદારપુરા-33; દીપડા દરવાજા-11; વડોદરા બેસ્ટ બેકરી-14; આણંદનું ઓડ ગામ-27; સાબરકાંઠાના કિડીયાદ ગામ-23 માણસોનો સમાવેશ થાય છે. 1998 ગામડાઓમાં અને 151 શહેરી વિસ્તારોમાં તોફાનો થયા હતા. કુલ 2000 કરતાં વધુ માણસોની હત્યાઓ થઈ !


2002ની કોમી ઘટનાઓ અંગે પૂર્વ DGP આર. બી. શ્રીકુમારે 2017માં પુસ્તક લખ્યું છે : ‘Gujarat Behind the Curtain’ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ 2019 માં બહાર પડ્યો છે : ‘પડદા પાછળનું ગુજરાત’ આ પુસ્તકમાં ચોંકાવનારા રહસ્યો છે. હાલના વડાપ્રધાન તે વખતે ગુજરાતના CM હતા; અને સત્તા ટકાવી રાખવા માટે કેવા કેવા કાવાદાવા કર્યા હતા; તેનો ચિતાર આ પુસ્તકમાં છે. એક કિસ્સો જોઈએ. તેઓ લખે છે : “28 ફેબ્રુઆરીના રોજ હું મારી IBની ઑફિસમાં હતો. ત્યારે નરોડા પાટિયા પાસે આવેલ SRPF ગૃપ-2 ના કમાન્ડન્ટ IPS ખુર્શીદ અહમદનો ફોન આવ્યો કે ‘500 મુસ્લિમ પરિવારોને સતત ધમકીઓ મળી રહી છે; મુસ્લિમો ઇચ્છે છે કે SRPF કેમ્પસમાં આશરો આપવામાં આવે. આપ આશરો આપવા સ્પષ્ટ હુકમ કરો તો આશરો આપી શકાય.’ મેં તરત જ ફેક્સ કરીને પીડિત પરિવારોને SRPની ખાલી બેરેકમાં આશરો આપવા જણાવ્યું. બેરેક ખાલી હતા કેમકે બધા જવાનો તોફાન વિસ્તારમાં ફરજ ઉપર હતા. ખુર્શીદ અને તેના નાયબ સેનાપતિ કુરેશી મુસ્લિમ હતા તેથી SRPF કેમ્પસમાં મુસ્લિમોને આશરો આપી જોખમ લેવા તૈયાર ન હતા ! મેં તેમને આશ્વાસન આપ્યું કે નોકરીમાં તમને કોઈ પણ પ્રકારની આંચ નહીં આવે કેમકે તમે મારા લેખિત હુકમનું પાલન કરી રહ્યા છો. મને પાછળથી ખબર પડી કે મારા લેખિત હુકમની અવગણના કરી; કમાન્ડન્ટે ખાલી બેરેકોમાં મુસ્લિમોને આશરો આપ્યો ન હતો ! જેના કારણે નરોડા પાટિયાના 96 મુસ્લિમોની હુમલાખોરોએ હત્યા કરી ! જે અધિકારીઓએ મારા લેખિત હુકમનું પાલન ન કર્યું તે અંગે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી કે તે અંગે કોઈ તપાસ કરવામાં ન આવી. સરકારે કમાન્ડન્ટ ખુર્શીદને સુરત સિટીમાં DCP તરીકે મૂક્યા; તેમના IAS પત્ની શાહમીના હુસૈનને વલસાડ જિલ્લામાં DDO તરીકે મૂક્યા ! તે પછી સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર તરીકે મૂકીને પુરુસ્કૃત કરવામાં આવ્યા ! SIT-સ્પેશિયલ તપાસ ટીમે મને નરોડા પાટિયા કેસમાં સાક્ષી તરીકે પણ બોલાવ્યો નહીં. કોર્ટે આ કેસનો ચૂકાદો આપ્યો ત્યારે SRPF ની ભૂમિકાની આકરી ટીકા કરી હતી !”


સવાલ એ છે કે મુસ્લિમ IPS અધિકારીએ, નરોડા પાટિયાના મુસ્લિમોને કેમ બચાવ્યા નહીં? IPS/IAS અધિકારીઓ હંમેશા પોતાના પોસ્ટિંગ અને પ્રમોશનની ચિંતા કરતા હોય છે; એટલા માટે સરકાર/સત્તાપક્ષના એજન્ડાનો વિશેષ ખ્યાલ રાખતા હોય છે ! લોકોને ન્યાય મળે તે તરફ ઓછું ધ્યાન આપતા હોય છે. 2002 માં ગુજરાતમાં 12-13 મુસ્લિમ IAS/IPS હશે; તેમણે સરકારના એજન્ડાને વશ થઈને કામ કરવાનું પસંદ કર્યું હતું. તેઓ ન્યાયના પક્ષે/ સત્યના પક્ષે રહ્યા નહીં ! મુસ્લિમ અધિકારીઓનો શું વાંક કાઢવો ! બીજા અધિકારીઓ પણ સરકારના એજન્ડાને ગળે વળગાડીને ફરતા હોય છે ! લોકોને; પોલીસ અધિકારીઓ પોતાની જાતિ/જ્ઞાતિ/ધર્મના હોય તો ગમે છે; પરંતુ ઉપરનો કિસ્સો આંખ ખોલનારો છે. બન્ને મુસ્લિમ અધિકારીઓએ; લોકોના જીવ બચાવવા કરતા પોતાની નોકરીની સલામતી જોઈ ! નરોડા પાટિયામાં જે જગ્યાએ 35 બાળકો, 36 મહિલાઓ, 25 વૃધ્ધોને રહેંસીને બધાનો ઢગલો કરી સળગાવી દીધાં હતાં; તેનાથી SRPF નું કમ્પાઉન્ડ 100 ફૂટ જ દૂર હતું; જો તેમને આશરો આપવામાં આવ્યો હોત તો એ 96 મુસ્લિમો આજે જીવતા હોત !rs

#गोधराकांड

Previous Post Next Post