સીદી સૈયદ ની મસ્જીદ ( સીદી સૈયદ ની જાળી )
|
સીદી સૈયદ ની જાળી |
ભારત દેશ માં મુસ્લિમ શાશકો દ્વારા અસંખ્ય ઐતિહાસિક સ્મારકોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં તાજ મહલ, લાલકિલ્લો, આગ્રા નો કિલ્લો, ફતેપુર સીકરી નો બુલંદ દરવાજો, ગોળ ગુંબજ, કુતુબ મીનાર, દિલ્હી ની જામામસ્જીદ, જેવા અનેક સ્થાપત્યો ને ભેટ આપવામાં આવી છે.
ગુજરાતમાં પણ આવી રીતે અનેક જગ્યાઓએ અલગ અલગ સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહમદી સલ્તનત દરમિયાન તેમના શાસન નું પાટનગર અમદાવાદ રાખવામાં આવ્યું હતું. માટે આજે અમદાવાદમાં અનેક ઐતિહાસિક ઈમારતો જોવા મળે છે. જેમકે, જુલતા મિનારા, સરખેજ ના રોજા,રાણી નો હજીરો, જામા મસ્જીદ, લાલદરવાજા, ત્રણ દરવાજા,પીર કમાલ ની મસ્જીદ, સીદી સૈયદ ની મસ્જીદ, જેવી અનેક ઈમારતો નો સમાવેશ થાય છે.
|
બહાર થી મસ્જીદ નો નજારો |
આજે આપણે સીદી સૈયદ ની મસ્જીદ વિષે વિસ્તૃત માં વાત કરીશું. આ મસ્જીદ શહેરમાં નહેરુબ્રીજ ની પાસે આવેલ છે, જે લાલદરવાજા વિસ્તાર માં આવેલ છે. આ મસ્જીદ પોતાની પર્શ્રીમ બાજુની દીવાલ પર બનાવવામાં આવેલ અદભુત રચનાત્મક જાળીઓ ને લઈને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
સીદી સૈયદ ની મસ્જીદ એ અમદાવાદ શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી છે. (ગુગલ મેપ માં સ્થાન જોવા અહી ક્લિક કરો) સીદી સૈયદ ની જાળી એ સીદી સૈયદ ની મસ્જીદ ની પર્શ્રીમ તરફ ની દીવાલ પર સ્થિત એક વિશ્વવિખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છેકે આવડી મોટી જાળી એકજ પથ્થર માંથી બનેલ છે. આ જાળીને નકશીકામ નો એક બેજોડ નમુનો ગણવામાં આવે છે. અમદાવાદની પ્રસિદ્ધ ઈમારતો માંની એક હોવા ઉપરાંત સીડી સૈયદ ની જાળી અમદાવાદના ચિન્હ તરીકે પણ વાપરવામાં આવે છે.
|
સીદી સૈયદ ની જાળી |
સીદી સૈયદ ની મસ્જીદ માં કુલ ૪ જાળીઓ આવેલી છે. જેમાંથી ૨ જાળીઓ પોતાની અદ્ભુત રચનાથી પ્રખ્યાત છે. ત્યાં આજુ બાજુ સુંદર બગીચો આવેલ છે.
પ્રથમ નજરે જોતા લાગેછે કે ખજુરીના ઝાડ ની ડાળી ને પથ્થરો વચ્ચે ગોઠવીને ફીટ કરવામાં આવી છે. પરંતુ તે રેતીયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે. સીદી સૈયદ ની જાળી શહેરના સ્મૃતિચિન્હ તરીકે પ્રસ્થાપિત થઈ છે.
|
જાળીનો અદભુત નજારો |
એક માન્યતા પ્રમાણે સીદી સૈયદ ની જાળીનો એકભાગ ચોરી લેવાયો હતો, પણ આ માન્યતાને કોઈ ઐતિહાસિક સમર્થન મળતું નથી. સલ્તનતયુગ ની મહત્વપૂર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ ૧૫૭૩ માં બનાવેલી સીદી સૈયદની મસ્જીદ સહદયતાના પ્રતિક સમાન છે. આ આ મસ્જીદ અને જાળી સીદી સૈયદે બનાવી હોવાથી તેમના નામે પ્રચલિત છે, પણ તેમનું નામ સીદી સઈદ હતું.
ચોરસ રેતિઆ પથથર પર જુદી જુદી કોતરણી કરી જીગસો પઝલની જેમ ગોઠવી અદ્રુત કોતરણીકામ ઉભું કરવું કેટલું મુશ્કેલ કામ છે તે શિલ્પીઓ સારી રીતે જાણે છે. સુક્ષ્મ અને કલાત્મક કોતરણીની દ્રષ્ટીએ આ જાળી દેલવાડાના દેરાની કોતરણી ની હરીફાઈ માં ઉતરે એમ છે. ઢળતા સૂર્યનો પ્રકાશ જયારે જાળી માંથી પસાર થઇને આવે છે ત્યારે જુદુજ વાતાવરણ સર્જાય છે.
|
મસ્જીદ માં બનાવવામાં આવેલ સુંદર કોતરણી |
રેતીઓ પથ્થર સમયજતા ઘસાતો જતો હોય છે. પણ ઈ.સ. ૧૫૭૩ માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજસુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમનું ખજૂરી નું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. તેની ગુંથણી એટલી સફાઈદાર અને નાજુક છેકે નજર પણ અટવાઈ જાય.
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતિકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રકૃતિ ભેટમાં આપેછે. અમદાવાદની ઓળખના ચિન્હો તરીકે સ્થાપિત થયેલી પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઇ જાય છે.
|
મસ્જીદ ની જાળી ૧ |
|
મસ્જીદ ની જાળી ૨ |
એક અનુમાન એવું છેકે આખી જાળી એકજ પથથરમાંથી કંડારવામાં આવી છે. પરંતુ અલગ અલગ ટુકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે.સીદી સઈદે તે સમયે ક્યાં કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માંગી લે તેમ છે. કારણ કે જાળી પથ્થર ના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમુન લાગે છે.જેના કારણે એકજ જાળીમાં ચિત્રકામ, નક્શીકામ, સુથાર, અને કડિયાકામ બન્યુંહોય તેવો વીરમ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપેજ રહી છે, તે પણ આશ્વર્યજનક વાત છે. તેના કારણેજ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. જાળીની સન્મુખ ઉભા રહીને થોડીવાર સુધી તેને જોતા તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સૌન્દર્ય ધરાવે છે.
|
સામે થી મસ્જીદનો અદભુત નજારો |
સીદી સૈયદ ની જાળીમાં બે કલાત્મક કોતરણી વળી જાળીઓ છે. તેમાં વધુ એક જાળી હતી તેમ કહેવામાં આવેછે, જેને બ્રિટીશકાળ દરમિયાન અંગ્રેજો બ્રિટન લઇ ગયા હતા એમ માનવામાં આવે છે. એક વાત એવી પણ છેકે ન્યોયોર્કમાં એ જાળી લઇ જવામાં આવી છે.
જોકે સાચીવાત એ છે કે સીદી સૈયદ ની મસ્જીદ ના નિર્માણ નું કામ અધૂરું છે. જેમકે મસ્જિદના મિનારા અને કમાનો અધૂરા બનાવાયા હોય એવું લાગે છે. તે પાછળ નું કારણ એવું છેકે સીડી સૈયદ તેની જાગીરના ગામોની આવકમાંથી એક બેનમુન મસ્જીદ બનાવવી તેવી તીવ્ર ઈચ્છા સાથે કામ શરુ કરાવ્યું હતું. પરંતુ, જહૂરખાન નામના સીદી સરદાર દ્વારાપાછળથી કોઈક કારણોસર સીદી સૈયદના ગામો પાછા લઇ લેવાયા હતા. તેજ સમયે અકબરે ગુજરાત જીતી લેતા સીદી સૈયદ ની આવક બંધ થઇ જતા તે મસ્જીદનું અધૂરું કામ પૂરું કરી શક્યા નહિ.
તેથી એક જગ્યાએ જાળીની જગ્યાએ પથ્થર મુકવામાં આવ્યા છે. અંગ્રેજો ત્રીજી જાળી લઇ ગયા હોય તેવા કોઈ દસ્તાવેજી પુરાવા જોવા મળતા નથી. અમદાવાદમાં ઘણાબધા ઐતિહાસિક સ્મારકો જોવા મળે છે. માણેક બુરજ, રાની નો હજીરો, ઝુલતા મિનારા, ત્રણ દરવાજા, લાલદરવાજા, જામા મસ્જીદ, સરખેજ ના રોજા જેવી અનેક પુરાતત્વીય ઈમારતો છે. પરંતુ કલાત્મક રીતે ફક્ત સીદી સૈયદની જાળીજ વિખ્યાત છે. આટલા વર્ષ સુધી મૂળ સ્વરૂપમાં ટકી રહી છે તે પણ કદાચ એક મહત્વનું કારણ છે. સુલતાન અહેમદ ત્રીજાના સમયગાળા દરમિયાન સીદી સૈયદે આ જાળી બનાવડાવી હતી.
|
મસ્જીદ ની બહાર કાગડવામાં આવેલ તકતી |
ઈતિહાસકાર રીઝવાન કાદરી તેમના પુસ્તક " અતિત ના આયનામાં અમદાવાદ " માં નોંધ કરતા લખે છે કે, ગુજરાતમાં આ હબશીઓ (સીદીઓ) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી. પરંતુ સુલતાન અહેમદ ત્રીજા ના સમયગાળા દરમિયાન સીદીઓ શક્તિશાળી બન્યા. તે સમયે જહૂરખાન નામનો શક્તિશાળી સરદાર હતો.આ સરદાર ને પાછળથી મોગલ રાજા અકબર દ્વારા એક હત્યાના આરોપસર હાથીના પગ નીચે ચગડાવી નાખવામાં આવ્યો હતો. આ સરદારના મિત્ર સીદી સૈયદ ને તેમની વફાદારીના કારણે કેટલાક ગામો અપાયા હતા.
સીદી સૈયદ આ ગામડાની આવક નો ઉપયોગ સદકાર્યો કરવામાં કરતા હતા. માટે તે સમયે સીદી સૈયદને "દરિયાદિલ" તરીકે ઓળખવામાં આવતા હતા. તે સમયમાં પથ્થરમાં આવી કોતરણી કરવી કેવી રીતે શક્ય હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાળીને ચોરસ રેતિયા પથ્થરમાંથી સંધીને બનાવવામાં આવી છે. આ જાળીની પહોળાઈ ૧૦ ફૂટ અને ઉંચાઈ ૭ ફૂટ છે. વર્ષો પૂર્વે એક હજાર રૂપિયામાં તેની લાકડાની પ્રતિકૃતિ બનાવાઈ હતી. વર્ષો પછી પણ ઠંડી, ગરમી, કે વરસાદ ઝીલ્યા છતાંતેને આંચ પણ આવી નથી. તેમાં ખજુર કે નાળીયેર ના ઝાડના પાંદડા જેવી કોતરણીને એટલી સુક્ષ્મ રીતે કંડારવામાં આવી છે.
દેશ-વિદેશ ની અનેક હસ્તીઓએ આ મસ્જિદની મુલાકાત લીધેલ છે. આજે પણ દેશ-વિદેશ થી ઘણા મુલાકાતીઓ આ મસ્જીદમાં બનાવવામાં આવેલ કલાત્મક જાળી તેમજ તેની કોતરણી અને બીજી કલાકૃતિઓ જોવા માટે આવે છે.
આ મસ્જીદના પટાંગણમાં એક સુંદર પાણી નો હોજ બનાવવામાં આવ્યો છે. જેમાંથી નમાઝીઓ નમાઝ અદા કરવા માટે વુઝુ કરી શકે. સાથે મસ્જીદ ના આંગણમાજ મસ્જીદ નું નિર્માણ કરાવનાર સીદી સૈયદ ની કબર મુબારક આવેલ છે.
સીદીસૈયદ ની જાળી વિષે કેટલીક અનોખી વાતો
- રશિયા નો ઝાર જયારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સૈયદ ની મસ્જીદ ની મુલાકાત લીધી હતી.
- બ્રિટન ના મહારાણી એલીઝાબેથે પણ જયારે આ જાળી જોઈ ત્યારે તે પણ અચંબામાં પડી ગયા હતા.
- ઇતિહાસકાર ફર્ગ્યુંશન ના કહેવા પ્રમાણે આ જાળી દેખાવમાં મૂળ જેવીજ લાગેછે, તેના પર થી કહી શકાય કે તેને બનાવનારો આ વિશિષ્ટ કળામાં કાબેલ હતો.
- મરાઠા અને અંગ્રેજોના સમયગાળા દરમિયાન એક તબક્કે આ જાળી ને ચુનાથી ધોળી કરી નાખવામાં આવી હોવાથી તે સમયે મસ્જીદને જોનારા લોકો મસ્જીદને આરસની મસ્જીદ હોવાનું પણ કહેતા હતા.
- સુલ્તાન અહેમદ (ત્રીજા) ના શાસનકાળ દરમિયાન સીદીઓ પ્રભાવશાળી અને શક્તિશાળી હોવાનું કહેવામાં આવતું હતું.આ સમયે આ મસ્જીદ બનાવવામાં આવી હતી,પરંતુ કમ નશીબે પાછળથી તેમને રાજસત્તા સાથે વાંધો પડતા સીદી સૈયદ ની મસ્જીદનું કામ પૂરેપૂરું થઈ શક્યું નહોતું.
- બ્રિટીશકાળ દરમિયાન આ મસ્જીદનો ઉપયોગ એક સરકારી કચેરી તરીકે કરવામાં આવતો હતો, પણ ઈ.સ.૧૯૦૦ માં જો લોર્ડ કર્ઝને આ મસ્જીદ ની મુલાકાત લઈ તેને સરકારી કચેરી બનતા અટકાવી હતી.
- ઈ.સ.૧૮૮૦ માં લંડન અને ન્યુયોર્કના સંગ્રહાલયો માટે મસ્જીદની જાળીઓ ની નકલ કાગળ પર ઉતારી તેમાંથી લાકડાના બે મોડલ બનાવવામાં આવ્યા હતા.
- સીદી સૈયદ હબ્શા (ઇથોપિયા) થી યમન થઈ ગુજરાતમાં આવ્યા હતા.તે ગરીબોની મદદ કરનાર "દરિયાદિલ" તરીકે જાણીતા હતા.
- પહેલા તેઓ સુરતના સુબા ખુદવંદ ખાન ખ્વાજા સફર સલમાની ના બીજા પુત્ર રૂમીખાન ને ત્યાં નોકરી કરતા હતા.
- પાછળથી તેઓએ અમદાવાદના સુલતાન અહેમદ (ત્રીજા) ને ત્યાં તેમની સેના ના સેનાપતિ તરીકે સેવા આપી.
- સીદી સૈયદ ની મસ્જીદ તેમજ તેમાં રહેલ અતિસુંદર જાળીનું બાંધકામ કરાવનાર સીદી સૈયદ નું અવસાન ૨૪, ડીસેમ્બર ૧૫૭૬ ના રોજ થયું હતું.
|
મસ્જીદ માં લગાવવામાં આવેલ તકતી |
|
સીદી સૈયદ ની કબર |
|
મસ્જીદ આગળ નું ચોગાન |
follow us on social media
facebook - https://www.facebook.com/roshnidinkiblog
instagram - https://www.instagram.com/roshnidinki/
twitter - https://twitter.com/roshnidinki
subscribe to my youtube channel
tags :
imtiyaz kothariya, ahmedabad, mughal empire, sidi syad mosque, mosque, muslim, islam, history, indian hisrory, gujarat, gujarat history,history of gujarat, gujarati, travel, blog,